Thursday, May 17, 2018

કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો જેડીએસ જોડે ગઠબંધનથી નારાજ

- જેડીએસના કુમારસ્વામી વોકાલિગાસ જાતિના હોઇ લિંગાયત ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા સાથ ના પણ આપે


બેંગ્લોર, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા પછી યેદીયુરપ્પા સામે સૌથી મોટો પ્રતિષ્ઠા પડકાર બહુમતિ પુરવાર કરવાનો છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ ૧૫ દિવસનો સમય આપ્યો છે. પણ મુદ્દત દેખીતી રીતે જ ભાજપવાળા વચ્ચે ફિક્સીંગના પૂરાવા સમાન લાગતી હોઇ યેદીયુરપ્પાએ વિવાદને થોડો ઠંડો પાડતા મનોદબાણ હેઠળ એવી પ્રતિક્રિયા આપી છે કે તે ૧૫ દિવસ પહેલા બહુમતિ પુરવાર કરશે.
કોંગ્રેસના નેતાઓ, રાજકીય વિશ્લેષકો અને આ નૌટંકીને આતુરતાથી માણી રહેલા દેશના નાગરિકોને પણ એ ઇંતેજારી છે કે યેદીયુરપ્પા બહુમતિ માટે ખૂટતા ઓછામાં ઓછા આઠ ધારાસભ્યોને કઇ રીતે લાવશે. કોંગ્રેસ અને જેડીએસ તેના ૧૧૬ ધારાસભ્યોને નજરકેદની જેમ બેંગ્લોર અને કોચીના રીસોર્ટમાં લઇ ગયા છે. જેમાંથી ચારેકનો કોઇ પત્તો નથી તેવા બિનસત્તાવાર અહેવાલ છે. જેમાં પૂરી સત્યતા હોઇ શકે.
અંતરંગ વર્તુળોમાંથી એવું મનાય છે કે યેદીયુરપ્પા કે જેઓ પોતે લિંગાયત જાતિના છે તેમને કોંગ્રેસના ૮ થી ૧૨ લિંગાયત વિજેતા ધારાસભ્યોનો ટેકો મળી શકે છે. કોંગ્રેસે લિંગાયતને ચૂંટણી પૂર્વે લઘુમતિનો દરજ્જો આપવાની સોગઠી લગાવી પછી તેઓની વફાદારી આ ધારાસભ્યોએ બતાવી હતી અને ટિકિટ મેળવી અને જીત પણ હાંસલ કરી હતી.
આ લિંગાયત કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસે તેમના કરતા ઘણી ઓછી બેઠકો ધરાવતા જેડીએસ જોડે ગઠબંધન કર્યું તેની સામે તો નારાજ છે જ પણ મુખ્યમંત્રી તરીકે જેડીએસના કુમારસ્વામી કે જેઓ વોમલિંગ જાતિના છે તેને તો હરગીઝ ચલાવી શકે તેમ નથી તેમ કહી શકાય. જેડીએસ વોકલિંગા જાતિના ઉમેદવારો અને મતદારોથી પ્રભાવિત પક્ષ છે. લિંગાયત હંમેશા વોકાલિંગાની સામેના મોરચે હોય છે. ભાજપ જોડે જ આ વખતે મહત્તમ લિંગાયત મતો રહ્યા હોઇ લિંગાયતના કોંગી ધારાસભ્યો પર દબાણ પણ રહેશે.
લિંગાયતના ધારાસભ્યોનો વોકાલિંગા ઉમેદવારને મુખ્ય પ્રધાન બનાવવામાં સાથ આપે તો તેઓની રાજકીય કારકિર્દી ખતરામાં મૂકાઇ જાય તેમ છે. યેદીયુરપ્પા શામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત આ જાતિ કાર્ડ પણ લિંગાયત ધારાસભ્યો પર ઉપયોગમાં લેશે તેમ ચર્ચાય છે.

No comments:

Post a Comment