વહેલી પરોઢે સુપ્રીમે સ્ટે ન આપતાં યેદિયુરપ્પાની 'કર-નાટક'ના મુખ્યમંત્રી પદે શપથવિધિ
- બહુમતી માટે ભાજપને વધુ આઠ સભ્યની જરૃર છે, આજે સુપ્રીમમાં એ ખૂટતાં આઠ નામ મોદી-શાહ કયા જાદુથી લાવશે
અનિશ્ચિત ભાવિ વચ્ચે યેદિયુરપ્પાએ કહ્યું 'રાજ્યપાલે અમને ૧૫ દિવસ આપ્યા છે, પરંતુ એ પહેલાં અમે બહુમતી સાબિત કરીને પાંચ વર્ષ પણ પૂરા કરીશું'
ખેડૂતોના દેવા માફીની યેદિયુરપ્પાની જાહેરાત, ચાર આઈપીએસની બદલી
૭૫ વર્ષીય યેદિયુરપ્પા અગાઉ બે વાર તેઓ કાર્યકાળ પૂરો કરી શક્યા નથી
બેંગાલુરુ, તા. 17 મે, 2018, ગુરૂવાર
ખેડૂતોના દેવા માફીની યેદિયુરપ્પાની જાહેરાત, ચાર આઈપીએસની બદલી
૭૫ વર્ષીય યેદિયુરપ્પા અગાઉ બે વાર તેઓ કાર્યકાળ પૂરો કરી શક્યા નથી
બેંગાલુરુ, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકમાં ભારે નાટકબાજી પછી ભાજપના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. આ સાથે જ ૭૫ વર્ષીય યેદિયુરપ્પા ત્રીજી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. કોંગ્રેસ અને જેડી-એસના વિરોધ અને ધારાસભ્યોની ખરીદફરોતના આરોપો વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને રિસોર્ટ, હોટેલમાં કેદ કરી લીધા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ જેડીએસની અરજી કાઢી નાખવાનો ઇનકાર કરતાં વધુ સુનાવણી શુક્રવારે ઠેરવી હતી અને પક્ષકાર ભાજપ તેમજ યેદિયુરપ્પાને પોતાના જવાબ આપવા ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે યુદિયુરપ્પાએ ગવર્નરને સોંપેલો તેના પક્ષનું સંખ્યાબળ દર્શાવતો પત્ર રજૂ કરવા આદેશ કર્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ વિવાદાસ્પદ રીતે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલના આ પગલાંનો વિરોધ કરવા કોંગ્રેસ અને જેડી-એસના સભ્યોએ ગઇ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી હતી. એ પછી પણ વિપક્ષો યેદિયુરપ્પાને શપથ લેતા રોકી શક્યા ન હતા. જોકે, કોંગ્રેસ અને જેડી-એસની કાયદાકીય લડાઇ ચાલુ હોવાથી યેદિયુરપ્પા કેટલો સમય કર્ણાટકના મુખ્યમંત્રીપદે રહી શકશે એ અનિશ્ચિત છે. કદાચ એટલે જ કર્ણાટકમાં ફક્ત યેદિયુરપ્પાએ જ શપથ લીધા છે.
યેદિયુરપ્પાએ કર્ણાટક રાજભવનમાં ભગવાન અને ખેડૂતોના નામે શપથ લીધા હતા. આ દરમિયાન રાજભવનમાં ભાજપના કાર્યકરોએ 'મોદી, મોદી'ના નારા લગાવ્યા હતા. સામાન્ય રીતે કોઈ પણ શપથગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજરી આપે છે, પરંતુ યેદિયુરપ્પાની શપથવિધિ વખતે આ બંને નેતાઓએ હાજરી આપી ન હતી. આ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ પ્રકાશ જાવડેકર અને અનંત કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ચાર આઈપીએસની બદલી કરવાનો પણ મહત્ત્વનો નિર્ણય લીધો હતો.
રાજ્યપાલે ભાજપને બહુમતી સાબિત કરવા ૧૫ દિવસનો સમય આપ્યો છે. રાજ્યપાલના આ નિર્ણયની પણ વિપક્ષો ભારે ટીકા કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૨૨૨માંથી ૧૦૪, કોંગ્રેેસે ૭૮ અને જેડી-એસએ ૩૭ બેઠક પર બેઠક પર જીત મેળવી છે. ભાજપને બહુમતી સાબિત કરવા ફક્ત આઠ બેઠક ખૂટે છે. આમ છતાં, યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, અમારે બહુમતી સાબિત કરવા ૧૫ દિવસની જરૃર નથી. અમે એ પહેલાં બહુમતી સાબિત કરીને પાંચ વર્ષ પૂરા કરીશું. કર્ણાટકમાં ફક્ત સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને જેડી-એસએ અપવિત્ર ગઠબંધન કર્યું છે.
નોંધનીય છે કે, યેદિયુરપ્પા નવેમ્બર ૨૦૦૭માં પહેલીવાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જેડી-એસએ ટેકો પાછો ખેંચી લેતા તેઓ ફક્ત સાત દિવસ સત્તામાં રહી શક્યા હતા. ત્યાર પછી તેઓ મે ૨૦૦૮માં મુખ્યમંત્રી બન્યા હતા અને લોકાયુક્ત એ. સંતોષ હેગડેએ ગેરકાયદે ખાણકામ કેસમાં તેમને મુખ્યમંત્રીપદે ગેરલાયક ઠેરવ્યા હતા. આમ, યેદિયુરપ્પા એક પણ વાર કર્ણાટકમાં કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
No comments:
Post a Comment