Thursday, May 17, 2018

ગવર્નરના પગલા સામે સુપ્રીમમાં અરજી

- ગવર્નરે ભાજપનું સંખ્યાબળ વધારવાના ઇરાદાથી ગેરકાનુની નોમિનેશન કર્યાનો કોંગ્રેસનો દાવો


નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ વિધાનસભામાં એંગ્લો- ઇન્ડિયન સભ્યને નોમિનેટ કરતાં કોંગ્રેસ અને જે.ડી. એસે તેનો વિરોધ કરીને સુપ્રીમમાં આ નોમિનેશનને રોકવા અરજી કરી હતી. આજે બપોરે દાખલ થયેલી આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ શુક્રવારે કોંગ્રેસની મુખ્ય પિટિશનની સાથે કરશે.
કોંગ્રેસ- જે.ડી. (એસ)એ માંગણી કરી હતી કે, ગવર્નર દ્વારા કરાતી એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક નવી સરકાર વિશ્વાસનો મત મેળવે ત્યાં સુધી રોકવામાં આવે. આ અરજી ગુરૃવારે રાત્રે ઐતિહાસિક સુનાવણી કરનાર ત્રણ જજ સિકરી, બોબડે અને ભૂષણની બેન્ચ સંભાળશે. ઓલ ઇન્ડિયા એંગ્લો ઇન્ડિયન યેલોસી એનાને ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે, તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવો નહીં.
અરજી કરનાર વકીલ દેવદત્ત કામઠે જણાવ્યું હતું કે રાજકીય મહત્ત્વકાંક્ષા પૂરી કરવા માટે ગવર્નરની ઓફિસનો આવો મલિન ઇરાદાવાળો ઉપયોગ થવા દેવાય નહીં. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભામાં ૨૨૪ બેઠકો છે. જે પૈકી ૨૨૨ પર ચૂંટણી થઈ હતી એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક થાય તો સંક્યાબળ ૨૨૫ બને અને તેનો લાભ ભાજપને મળે.
કોંગ્રેસ જે.ડી. એસે જણાવ્યું હતું કે ભાજપનું સંખ્યાબળ વધારવા આવી ગેરકાનુની પ્રયાસ ચલાવી લેવાય નહીં. બંધારણના આર્ટિકલ ૩૩૩ મુજબ ગવર્નર કોઈ પણ એવો નિર્ણય લઈ શકે નહિ કે વિશ્વાસ સંપાદન કરનારા મુખ્યમંત્રીને મદદરૃપ થઈ શકે.

No comments:

Post a Comment